જામનગર સહિત દેશભરના રેડિયોલોજીસ્ટોની આવતીકાલે હડતાલ

જામનગર સહિત દેશભરના રેડિયોલોજીસ્ટોની આવતીકાલે હડતાલ

જામનગર તા. ૩૧ઃ ઓલ ઈન્ડિયન રેડિયોલોજીસ્ટ એન્ડ ઈમેજીંગ એસોસિએશન દ્વારા કાયદામાં રહેલી વિસંગતતા દૂર કરવાની માંગણી સાથે આવતીકાલે જામનગર સહિત દેભરના તમામ રેડિયોલોજીસ્ટો તેમની સંપૂર્ણ પ્રકારની કામગીરી બંધ રાખી હડતાલ પાડશે. દેશવ્યાપી હડતાલમાં જામનગરના દસ સહિત ગુજરાતભરના ૬પ૦ રેડિયોલોજીસ્ટો જોડાશે. સાથોસાથ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તા. ર સપ્ટેમ્બરથી સોનોગ્રાફીની અચોક્કસ મુદ્ત સુધી કામગીરી બંધ રાખવાની ચિમકી આપવામાં આવી છે.
ઓલ ઈન્ડિયન રેડિયોલોજીસ્ટ એન્ડ ઈમેજીંગ એસો. દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટમાં રહેલી વિસંગતતા એ ગેરવ્યાજબી નિયમો રેડિયોલોજીસ્ટો માટે અન્યાયકર્તા હોવાથી આ નિયમોને દૂર કરવાની રજૂઆતો અવારનવાર કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા આ માંગણીઓને ધ્યાને લેવામાં નહીં આવતા રેડિયોલોજીસ્ટો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાને લઈ તાજેતરમાં ઓલ ઈન્ડિયન રેડિયોલોજીસ્ટ એન્ડ ઈમેજીંગ એસો.ના હોદ્દેદારોની તાકીદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટમાં રહેલા ગેરવ્યાજબી નિયમો અને કાયદાકીય વિસંગતતા સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણાઓ કર્યા પછી તા. ૧ સપ્ટેમ્બરના દેશવ્યાપી હડતાલ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જામનગરના ડો. રૃપેનભાઈ દોઢિયા સહિત ગુજરાતના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. રેડિયોલોજીસ્ટ એન્ડ ઈમેજીંગ એસો.ની બેઠકમાં તા. ૧ સપ્ટેમ્બરના દેશવ્યાપી હડતાલના આદેશ અનુસાર જામનગરના દસ રેડિયોલોજીસ્ટો સહિત ગુજરાતના ૬પ૦ જેટલા રેડિયોલોજીસ્ટો આવતીકાલે સોનોગ્રાફી, સિટી સ્કેન, એક્સ-રે, એમ.આર.આઈ સહિતની તમામ કામગીરી બંધ રાખી હડતાલમાં જોડાશે.
જ્યારે એક દિવસીય દેશવ્યાપી હડતાલ પછી પણ કાયદાની વિસંગતતા દૂર કરવાની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તા. ર સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્ત સુધી દેશભરમાં સોનોગ્રાફીની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે તેવી ચિમકી પણ ઓલ ઈન્ડિયન રેડિયોલોજીસ્ટ એન્ડ ઈમેજીંગ એસો. દ્વારા આપવામાં આવી છે.

Post a Comment

Previous Post Next Post