ગુલાબનગરમાં રહેણાંક મકાનમાં ધમધમતી તીનપત્તીની કલબ ઝડપાઈઃ બારની ધરપકડ


જામનગર તા. ૨૪ઃ જામનગરના ગુલાબનગરમાં આવેલા એક મકાનમાં આજે વહેલી સવારે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડતા એક અને જુગાર રમતા અગિયાર શખ્સોને પકડી પાડી રૃા.અઢી લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ ઉપરાંત અન્ય ત્રણ સ્થળોએ પાડવામાં આવેલા જુગારના દરોડામાં પોલીસે સત્તર શખ્સોને ઝડપી લીધા છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા સંજરી ચોકમાં એક મકાનમાં જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પરથી આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે સિટી-બી ડિવિઝનના પીઆઈ એસ.એચ. સારડાની સૂચનાથી પીએસઆઈ વી.એમ. લગારીયા તથા સ્ટાફે દરોડો પાડયો હતો. આ સ્થળે આવેલા સિધ્ધરાજસિંહ નવલસિંહ કંચવાના રહેણાંક મકાનમાં આ શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સ્થળ પરથી સિધ્ધરાજસિંહ સહિત મોહસીન અબ્દુલભાઈ ખેરાણી, અલાઉદ્દીન હારૃન ખેરાણી, હાસમ ગુલામ જીવરાણી, અબ્બાસ અકબર સુમારીયા, અમીન દોસમામદ આમરોલીયા, નદીમખાન અયુબખાન બ્લોચ, ચનાભાઈ કલાભાઈ કોળી, અખ્તર ઉંમરભાઈ ખફી, સંજય કેશવજીભાઈ પરમાર, વિપુલ દામજીભાઈ સતવારા અને રવિરાજસિંહ દોલુભા કેર નામના અગિયાર શખ્સોને ગંજીપાનાનો જુગાર રમતા પકડી પાડયા છે. પોલીસે પટમાંથી રૃા.૩૧૪૧૦ રોકડા, બાર મોબાઈલ ફોન તથા પાંચ મોટરસાયકલ મળી કુલ રૃા.૨,૪૯,૯૧૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સો સામે જુગારધારાની કલમ-૪, પ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા ફૂલિયા હનુમાન મંદિર નજીકના ગણેશવાસમાં ગઈરાત્રે એક વાગ્યે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ત્રાટકેલા સિટી-એ ડિવિઝનના પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે ત્યાંથી ગંજીપાનાનો જુગાર રમતા કપિલ અશોકભાઈ ધોરિયા, ભરત કમાભાઈ મેઘવાર, સિધ્ધાર્થ મુળજીભાઈ પરમાર તથા સંદીપ ભીખુભાઈ પરમાર નામના ચાર શખ્સોને પકડી પાડી તેઓના કબજામાંથી રૃા.૩૮૮૦ની રોકડ રકમ કબજે કરી છે. આ શખ્સો સામે જુગારધારાની કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જામનગર તાલુકાના ઠેબા ગામમાં ગઈરાત્રે દોઢ વાગ્યે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે તીનપત્તી રમી રહેલા પ્રકાશ રવજીભાઈ મકવાણા, કમલેશ બાબુભાઈ વાઘેલા, રણજીત કાંતિભાઈ વાઘેલા, મહેશ બિજલભાઈ મકવાણા, રોહિત વાલજીભાઈ મકવાણા, કિશોર બાબુભાઈ બગડા, કમલેશ કાળુભાઈ દલિત, ધુળાભાઈ કાનાભાઈ બગડા તથા દીપક નયનભાઈ ચાવડા નામના નવ શખ્સો પોલીસના હાથમાં આવી ગયા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૫૧૧૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે. જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા લલીત દેશાભાઈ બગડા, ગોવાભાઈ હમીરભાઈ બાબરિયા, રવિ ડાયાભાઈ બાબરિયા તથા ઓસમાણ નુરમામદ હાલેપોત્રા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ પટમાંથી રૃા.૧૪૩૦ રોકડા કબજે કર્યા છે.

1 Comments

Previous Post Next Post